Wednesday, September 18, 2013

રાગ અને દ્વેષ

રાગ-દ્વેષ[Attachment and Malevolence….] સૌથી વધુ સાંભળેલા પણ બહુ ઓછા સમજેલા દ્વંદ્વોમાંનો એક દ્વન્દ્વ. એક સામાન્ય સમજ મુજબ રાગ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ ભાવ અને દ્વેષ એટલે કોઈ વ્યક્તિ પ્રત્યેનો દુર્ભાવ. પરંતુ હું આ વ્યાખ્યા કે ખ્યાલને થોડી વધારે વિસ્તૃત અને બહોળી કરવા માંગુ છું. રાગ-દ્વેષ માત્ર કોઈ વ્યક્તિ પૂરતો મર્યાદિત નથી હોતો પરંતુ આ ઉપરાંત તે વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે પણ હોય છે. અર્થાત્ આ રાગ-દ્વેષ દુનિયાની દરેક બાબતો સાથે સંકળાયેલ છે. મને ગુલાબજાંબુ બહુ ભાવે!” (વસ્તુ) મને ક્રિકેટ વિના ન ચાલે!” (વિષય) મને સસ્પેંસ ફિલ્મો બહુ ગમે!”(વિચાર) મને ઉનાળાની ગરમીથી ખુબ ચિડ ચડે.” (પરિસ્થિતી) આવી વાતો આપણે અવારનવાર સાંભળતા રહ્યા છીએ. આ બીજું કંઈ નહિ પણ રાગ-દ્વેષના જ જીવતા જાગતા દાખલાઓ છે. સવારથી સાંજ સુધી કોઈકને કોઈક રીતે આપણે આમાં બંધાયેલા છીએ.

જરા ગેરસમજ પણ દૂર કરીએ અને થોડું વધુ સ્પસ્ટ કરીએ. મા એના દિકરાને લાડ લડાવે એ રાગ નથી અને ઉકરડાની દુર્ગંધ આવતા નાક આડો રૂમાલ રાખવો એ દ્વેષ નથી. પરંતુ દિકરો સામે ન હોવા છતાં તેના વિચારમાં સતત મગ્ન રહેવું એ એક માતાનો તેના પુત્ર પ્રત્યેનો રાગ છે અને દુર્ગંધ ન આવવા છતાં ઉકરડો યાદ કરીને ઉબકા આવવા એ ઉકરડા પ્રત્યેનો દ્વેષ છે. એટલે કે કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથે જોડાવું એ રાગ નથી પરંતુ તેનાથી વિખૂટા પડ્યા પછી પણ તેની સાથે મનનું જોડાયેલા રહેવું એ ચોક્કસપણે રાગ છે. આથી ઉલટું કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેથી વિખૂટા પડવું એ દ્વેષ નથી પરંતુ તેની સાથે રહીને પણ મનથી અલગ જ હોવું એ ચોક્કસપણે દ્વેષ છે.

આ બાબતે શંકર ભગવાનને યાદ કરવા ઘટે. પાર્વતી પ્રત્યે રીઝવવા સર્જેલ માયાને લીધે કામદેવને પોતાના ત્રીજા નેત્રથી ભસ્મીભૂત કરનાર આ ભોળાનાથ જ્યારે પાર્વતી સાથે જોડાય છે ત્યારે તેને પાર્વતીથી અલગ જોવા મુશ્કેલ થઈ જાય છે જેને આપણે અર્ધનરનારેશ્વરના રૂપે ઓળખીએ છીએ. આ એ બાબત સૌથી સરળ રીતે સમજાવે છે કે મહાદેવને પાર્વતી પ્રત્યે રાગ પણ નથી અને દ્વેષ પણ નથી. કારણ કે જોડાણ અને વિચ્છેદ એ સીધી રીતે રાગ અને દ્વેષ દર્શાવતા નથી પણ રાગ એ વિખૂટા પડ્યા પછીનું જોડાણ છે અને દ્વેષ એ જોડાણ સમયનું વિચ્છેદ.

રાગ એ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેનું સકારાત્મક આકર્ષણ છે અને દ્વેષ એ આ બધા પ્રત્યેનું નકારાત્મક આકર્ષણ છે (અર્થાત્ અપાકર્ષણ છે). ગણિતની ભાષામાં રાગ એ ધન સંખ્યા છે અને દ્વેષ એ ઋણ સંખ્યા. આ સંખ્યાનું મુલ્ય આ ભાવનાઓનું એટલે કે આકર્ષણ-અપાકર્ષણનું માપદંડ બતાવે છે. આ બન્નેને આધ્યાત્મ જગતમાં સૌથી પ્રથમ પગલે આવતાં કાંટા કહેવાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ પ્રભુ તરફ વળવા પ્રયત્ન કરે છે તો તેને પોતાના સ્વજનો પ્રત્યેનો રાગ અને દુર્જનો પ્રત્યેનો દ્વેષ જ રોકી રાખે છે. આથી જે લોકો આને પાર કરી જાય છે તેની પ્રભુ પ્રત્યેની સફર શરૂ થાય છે.

આ બન્નેને પાર કરવા માટે તેના કારણોને પણ જરા સમજી લઈએ. જે વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ એ આપણી ઈચ્છા અને અહંકારને અનુરૂપ છે તેના માટે આપણને રાગ જન્મે છે. જ્યારે આનાથી વિપરિત બને ત્યારે દ્વેષ જન્મે છે. જેમ કે શિક્ષકનું કહ્યું માનતા આજ્ઞાંકિત વિદ્યાર્થી પ્રત્યે શિક્ષકને રાગ જન્મે અને તેના કહ્યામાં ન રહેનારા વિદ્યાર્થીઓ પ્રત્યે તેને દ્વેષ જન્મે છે. પરંતુ એક અજાણી સ્કૂલનો એક અજાણ્યો વિદ્યાર્થી કોઈ શિક્ષકને કોઈ બસ મુસાફરીમાં જોવા મળે તો તેના પ્રત્યે શું શિક્ષકને રાગ કે દ્વેષ હશે ખરા? નહિ હોય... કારણ કે તે વિદ્યાર્થી પ્રત્યે તેને કોઈ અપેક્ષા કે ઈચ્છા નથી. જો આપણે આ સમગ્ર વિશ્વના દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યેની આપણી અપેક્ષાને શૂન્ય કરીએ તો આ રાગ-દ્વેષને જીતી જવાય. આ અપેક્ષા શૂન્ય પરિસ્થિતીને જ વૈરાગ્ય કહે છે. પરંતુ દરેક સંસારી માટે નરસિંહ મહેતા જેવો વૈરાગ્ય લાવવો શક્ય નથી. આથી જરાં બીજા રસ્તા વિશે વિચારીએ.

આપણને આ રાગ-દ્વેષ આપણા પરિચિતોમાંના જ કોઈ વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે હોઈ શકે. આપણા માટે અપરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ પ્રત્યે આ ભાવ આવવા અશક્ય છે. જેમ કે એક સામાન્ય વ્યક્તિને સોડિયમ હેક્ઝાક્લોરારિડની ગંધ પ્રત્યે રાગ-દ્વેષ કેવી રીતે થાય? સાયન્સના વિદ્યાર્થીને કદાચ બાયોલોજી કે સાયકોલોજી પ્રત્યે રુચિ-અરુચિ હોય પણ વેક્ષિલોલોજી પ્રત્યે રાગ-દ્વેષ કેમ હોય? કેમ કે આમાં ખબર જ નથી કે આ સોડિયમ હેક્ઝાક્લોરારિડ કે વેક્ષિલોલોજી એટલે શું? વળી, જે પરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ માટે આપણને રાગ-દ્વેષ થાય છે તે પણ આપણી બુદ્ધિને આભાર છે. કારણ કે તે આ પરિચિત વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથેના જાણેલા અનુભવને યાદ રાખે છે અને મનને યાદ અપાવતું રહે છે. જો આપણે વિશ્વના દરેક વ્યક્તિ, વસ્તુ, વિષય, વિચાર કે પરિસ્થિતિ સાથે આપણને થયેલા કે ન થયેલા દરેક અનુભવને ભૂલી જઈએ અને મનને મેલું ન કરીએ તો આ રાગ-દ્વેષને નાથી શકાય. એક બાળકની જેમ રોજ એક તૂટેલા રમકડાંને સાથે લઈને રડતાં રડતાં સૂવા છતાં રોજ સવારે તે તૂટેલાને નવાં રમકડાં સમજીને તેની સાથે નવેસરથી રમવા મંડીએ તો આ મનને રાગ-દ્વેષથી દૂષિત કર્યા વિના કાયમને માટે નિર્મળ અને નિખાલસ રાખી શકીએ અને જીવનમાં મનની અંદરના આનંદને નિસંદેહ માણી શકીએ.

જો તમે આમાનું કંઈ જ ન કરી શકો એટલે કે તમારા રાગ-દ્વેષને જીતી ન શકો કે તેને નાથી ન શકો તો તેને એક નવી દિશા તરફ વાળી તો ચોક્કસ શકો જ. તમે તમારા રાગ ભાવને પ્રભુ તરફ વાળજો અને તમારા દ્વેષ ભાવને આ સંસારી તત્વો તરફ.... બસ પછીનું બધું પ્રભુ સંભાળી લેશે... તમામ દ્વન્દ્વ ભાવમાંથી સર્વેની મુક્તિ અને સ્થિતપ્રજ્ઞતાની પ્રાપ્તિ સાથેની પ્રાર્થના સહ અસ્તુ! 

Tuesday, June 25, 2013

હું, મનુષ્ય...!?

જો કોઈ જંગલમાં ઉગેલા ઝાડને કાપીને, તેમાંથી કાગળ બનાવીને, તે કાગળના મોટા પોસ્ટર બનાવીને, તેમાં મોટા અક્ષરે લખે કે વૃક્ષો બચાવો!’ તો સમજજો કે તે પ્રાણી મનુષ્ય છે! કારણકે કુદરતની એ માત્ર કૃતિને સમજવા અને સમજાવવા મહાભારતના મહાકાવ્યો પણ ટૂકાં પડે છે! ખરુ ને?

ઈશ્વરના સ્વરૂપ તરીકે જન્મેલા બાળક મનમાં વિવિધ દોષારોપણો કરીને તે મનને મલીન કર્યા બાદ જ્યારે જાતી જીદંગીએ આ બાબતનું ભાન થાય તો કોઈ સદગુરુને શોધી તે મલીન-મનને શુદ્ધ કરવા (બાકી બચેલી) જીંદગીભર મથતાં મનુષ્યોનો આ પૃથ્વી પર તૂટો છે ખરો?

મનનાં નવેનવા કોરા કાગળ પર બુદ્ધિની પેન્સિલ વડે વારંવાર રાગ-દ્વેશ, ઈર્ષા- કટૂતા, લોભ-લાલચ, મોહ-ક્રોધ અને અહંકાર જેવા અનેક માયાવી ખોટાં એકડાં ઘુંટી-ઘુંટીને પછી જીંદગીના વર્ષોને છેક રબ્બરની જેમ ઘસી-ઘસીને તે મનનાં મેલાં કાગળને પહેલાં જેવો નિર્દોષ નિર્મળ શુદ્ધ બનાવવા મથવું, મથતાં રહેવું... શું છે આ બધું...?

હાં, હું એ જ મનુષ્ય છું! આજે વિચાર કરુ છું કે શું આ રીતે જીંદગીને આમ જ વેડફવવા જ મેં જન્મ લીધો’તો? મારા જીવનનો ધ્યેય શું? શું પામવાને મથું છું આમ રોજ-બરોજ? શેના માટે, કેના માટે? માનવ દેહના ગુણગાન ગાવા અને ખાવા-પીવા સિવાયની કોઈ જિદંગી છે ખરી?

કહેવાય છે કે “માણસ માત્ર, ભૂલને પાત્ર” પણ મને લાગે છે કે “હું.... માણસ, માત્ર ભૂલને પાત્ર!” ભ્રમમાં રહીને કરેલી ભૂલને માનવ પણ માફ કરે પણ ભાનમાં રહીને કરેલી ભૂલને ભગવાન પણ કેમ માફ કરે?

સંતો કબીરોએ જેને છોડવા માટે વારંવાર સમજાવ્યું એ દરેક ગુણોને મારી સાથે જોડવા, હું સતત દોડવા મથતો રહું છું... અને મારા મોક્ષ પર કટાક્ષ કરતો રહું છું! મારાથી મોટો મારો કોઈ દુશ્મન હશે ખરો? માયાથી અતૃપ્ત અને અહંકારથી સંતૃપ્ત એવા મને કોઈ મુક્ત કરી શકે ખરો?

ઈચ્છાઓનો અંત નથી,
હું, મનુષ્ય! મહંત નથી.
અધૂરો ઘડો હું એકડો,
શુન્ય નથી, અનંત નથી!

જ્યાં પાપ-પુણ્ય, હરખ-શોક, સુખ-દુઃખ, ઉચ્ચ-નીચ્ચ, માન-અપમાન, મિત્ર-શત્રુ જેવી દરેક ધન અને ઋણ સંખ્યાઓ નથી એ શુન્ય, નિરાકાર, ગુણાતિત (ના સગુણ કે ના દુર્ગુણ) મન:સ્થિતી જ મનુષ્યને મહંમદ બનાવે છે... તો પછી આ સંસારરૂપી સમતલમાં સંકર સંખ્યાના વિવિધ મુલ્યો લઈને હું અજ્ઞાત સંખ્યાની જેમ ક્યાં સુધી આમ ભટકતો રહીશ?

બધું જાણવા, જોયા, સમજ્યા છતાંય આ ભૂલભૂલામણીમાં સંતા-કૂકડી રમતાં રમતાં પોતાની જાતથી જ વિખૂટાં પડેલા મને હું ક્યારેય પામી શકીશ? નામ, ચહેરા, લાયકાતને જ મારી ઓળખાણ સમજતો હું મને ક્યારેય સમજી શકીશ? ઓળખી શકીશ?

જાતને જ પિછાણું, પણ જાતને ન જાણું હું!
મુરખ બની હું માણસ, માયાને પણ માણું હું!

કર્મોનો દોષ કાઢતો ને નક્ષત્રોમાં ઉપાયો શોધતો હું મુરખ નથી તો શું? જ્ઞાનની આંખો પર અજ્ઞાનની ચાદર ઓઢી, પ્રમાદની શૈયા પર આળોટતો હું ક્યારે મારા ઉદ્દેશને સમજી તેમાં પ્રવૃત થઈશ?

માખી-મચ્છર જેવી ટૂંકી દ્રષ્ટી લઈને હું મારા ભવિષ્યને ખૂબ જ અંધકારમય રાત્રી સિવાય કશીય રીતે જોઈ નથી શકતો. શું આ રાત્રિ જ એ વાતની ખાત્રી નથી કે આને પેલે પાર સવાર પણ છે? કે પછી જાગ્યા ત્યારથી સવારના નિયમ મુજબ મારે જ આ માયાવી ઊંઘમાંથી ઉઠવું રહ્યું?

પણ બુદ્ધિ............. આ બુદ્ધિશાળી બુદ્ધું, ઊંધું નાખીને કોઈ સદ્ગુરૂ આવીને તેને આ માયાવી ઊંઘમાંથી ઉઠાડે ત્યાં સુધી સુતા રહેવાનું નક્કી કરીને નશકોરાં બોલાવે છે તેનું શું??

એરીસ્ટોટલે મુજ મનુષ્યને સામાજિક પ્રાણી કહ્યો છે પણ આખરે કહ્યો તો પ્રાણી જ ને? એટલે જ હું મનુષ્ય, માણસ છું એ વાતને વારંવાર મારે યાદ કરવી પડે છે! યાદ અપાવવી પડે છે! યાદ રાખવી પડે છે! આથી જ મારા શબ્દોમાં હું મુજ મનુષ્યને સામાજિક પ્રાણી કરતાં સામાજિક પશુ કહેવાનું વધારે પસંદ કરીશ, કારણ કે માયાવી વૃતિઓને સામાજિક સંસ્કૃતિઓનું નામ આપીને વિકૃતિથી ભરેલા પશુ જેવી પ્રવૃતિમાં મગ્ન રહેતાં મુજ મનુષ્યને બીજી કઈ ઉપમા આપી શકાય?

અન્યોની નિંદા કરવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જ પોતાના દોષોને દૂર કરવામાં લગાડી હોત તો? અન્યોને સલાહ આપવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જ પોતાના ઉથ્થાનમાં લગાડી હોત તો? અન્યોના વિષયોમાં રસ દાખવવામાં જેટલી જિંદગી બગાડી તેટલી જાતને પિછણવામાં લગાડી હોત તો? અન્યથી રિસાવા-રિઝાવામાં જેટલી જિંદગી બગાડી તેટલી પોતાને સુધારવામાં લગાડી હોત તો? અન્ય વિષે વિચારવામાં-ચિંતામાં જેટલી જિંદગી બગાડી તેટલી આત્મ-ચિંતનમાં લગાડી હોત તો? અન્યની માહિતી જાણવા-જણાવવામાં જેટલી જિંદગી બગાડી તેટલી પોતાની જાતને જાણવામાં લગાડી હોત તો?

... તો કદાચ આ એક જન્મારો જ મને મારા માટે બસ થઈ પડત!!! કે નહિ?


Thursday, June 13, 2013

માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર!!!

માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર એ આપણી અને પરમાત્માની વચ્ચે આવી ઉભેલા સૌથી કપરા ચઢાણવાળા પર્વતોની હારમાળા છે. જેને પાર કરનાર પર્વતારોહી જ પરમાત્માને પામે છે. તેને જરા સમજવા આપણે આત્મ મંથન કરીએ.

માન [Respect] એટલે આપણા મનમાં જાણ્યે અજાણ્યે અનેકદ્વારા વાવવામાં આવતા અહંકારના નાના અમથા બીજ. જેમાંના દરેક બીજ દરેક વખતે વૃક્ષ બનતા નથી. પરંતુ જ્યાં આપણા મન દ્વારા એને પુરતા હવા પાણી અને ખાતર મળી રહે તે બીજ, અહંકારના વૃક્ષ બની ખિલી ઉઠે છે.

સન્માન [Fete] અને બહુમાન [Honour]  એટલે આવા બીજના વાવેતરની સામુહિક ખેતી. ;એકબીજાના અહંકારને પોષવા માટેનું સામાજિક રીતે સ્વીકૃતિ પામેલું સ્વરૂપ એકલે બહુમાન. સૈનિકોને અપાતા વીર ચક્રો, તેજસ્વી વિદ્યાર્થીને અપાતા ઈનામો અને સામાજિક સેવકોના સન્માન સમારંભો એ આવા જ અહંકાર પોષક પ્રવૃતિના ઉદાહરણો છે. આવા સ્વરૂપોને સામાજિક માન્યતા એટલે મળેલ છે કે જીવ માત્ર મૂળભૂત રીતે જન્મથી જ અહંકારી છે... અહંકારથી મુક્ત થવું એ જીવનનો ખરો ઉદ્દેશ છે... પરંતુ આપણે સામાજિક પ્રવૃતિમાં આપણે એકબીજાના અહંકારને પોષવામાંથી જ નિવૃત નથી થતા તો પછી પોતાના અહંકારથી મુક્ત થવામાં પ્રવૃત કેવી રીતે થઈ શકીશું.

આ સામાજિક વાતાવરણમાં જ આપણા અભિમાન [Self-respect/ Pride] નો જન્મ થાય છે. અભિમાન હંમેશા મમત્વ સાથે જોડાયેલો છે. આપણને આપણી વસ્તુ, વિચાર, વ્યક્તિ કે વ્યક્તિત્વના ગુણધર્મોનો જ અભિમાન હોઈ શકે. જ્યાં મમત્વનો ભાવ નથી ત્યાં અભિમાન નથી. ઉદાહરણ તરીકે ઓબામા અમેરિકાનો વડાપ્રધાન થાય તેનાથી આપણને ગર્વ કે અભિમાન ન હોય પરંતુ તેની જેમ સુનિતા વિલયમ્સ અવકાશી યાત્રા પર જાય તેનું એક ભારતીય તરીકે આપણને ગર્વ અને અભિમાનની લાગણી હોય. કારણ કે સુનિતા એ મારા દેશની વ્યક્તિ છે. જ્યારે આવા મારા પણાનો અવકાશ રહેશે ત્યારે ત્યારે આ અભિમાન આવશે. આ અભિમાનને જિતવાનો સૌથી સરળ રસ્તો મમત્વનો નાશ માત્ર છે. જ્યારે મારુ કશું નથી એવો ભાવ આવશે ત્યારે આ અભિમાનના સાગરને આપણે તરી જઈશું.

હવે જ્યારે આ અભિમાન છે ત્યારે તેને નુકશાન થવાનો ભય છે એટલે કે અપમાન [Disrespect] ને સ્થાન છે. જ્યાં માન, સન્માન કે બહુમાનની ઝંખના છે ત્યાં અપમાન પણ સિક્કાની બીજી બાજુ તરીકે ચોક્કસ અનિવાર્યપણે ઉપસ્થિત જ છે. ભગવાન બુદ્ધનો એક પ્રસંગ યાદ આવે છે. ભગવાન બુદ્ધ જ્યારે તેના ભક્તો સાથે સભામાં હતા ત્યારે એક વ્યક્તિ આવી ભગવાન બુદ્ધને અપશબ્દો વડે ગુસ્સાથી ધિક્કારવા લાગ્યો ત્યારે ભગવાન બુદ્ધ તેની સામે સ્મિતપૂર્વક સાંભળી રહ્યા. આ જોઈ તેના ભક્તોને આશ્ચર્ય થયું. તેઓએ કુતુહલપૂર્વક ભગવાન બુદ્ધના આ અસહજ વર્તન વિશે પુચ્છા કરી ત્યારે ભગવાન બુદ્ધે એટલું જ કહ્યું કે કોઈ તમારા માટે ભેટ સોગાદો લાવે પણ જ્યાં સુધી તમે તેનો સ્વીકાર ન કરો ત્યાં સુધી એ તમારી નથી થતી.

આ અપમાન સાથે જ સ્વાભિમાન [Self-Esteem]ની વાત સંકળાયેલી છે. સ્વાભિમાન એ અભિમાનની જેમ મમત્વને બદલે સ્વ સાથે સંકળાયેલ છે. સ્વાભિમાન એ મમત્વના વિષયના અભિમાનના જુદા જુદા ટુકડાને જોડી બનાવેલી સ્વની આકૃતિ માત્ર છે. આપણે હંમેશા આ આકૃતિને જ જોવા માગીએ છીએ. જ્યારે આનાથી અલગ સ્વની કોઈ અણગમતી આકૃતિ સામે રજૂ થાય છે ત્યારે આપણા આ સ્વાભિમાનરૂપી સ્વની આકૃતિને ઠેસ પહોંચે છે. આથી આ અણગમતી આકૃતિને રજૂ કરનાર વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતી સામે આપણને અરુચિની લાગણી જન્મે છે. જે આપણા સ્વને પોસે છે અર્થાત્ અહમ્ ને પોસે છે. આમ સીધા સીધા શબ્દોમાં કહું તો સ્વાભિમાન એ અહંકાર [Ego]ના કદરૂપા ચહેરાને પહેરાવેલો સુંદર મુખુટો માત્ર છે. કારણ કે તે સ્વને કેન્દ્ર સ્થાને રાખી દોરેલ આપણી પોતાની દુનિયાનું વર્તુળ માત્ર છે. અહંકારના હોવા માટે કોઈ વસ્તુ કે વિષય હોવું જરૂરી નથી માત્ર સ્વનું હોવું જ પૂરતું છે. એટલે કે અહંકાર કોઈ વસ્તુ, વિષય, વસ્તુનો ન હોય પરંતુ માત્ર સ્વનો જ હોય.

આ અભિમાન, સ્વાભિમાન અને અહંકાર એ આપણી વચ્ચે એટલે આવે છે કેમ કે આપણે એકબીજાને કુવા, ખાબોચિયા, નદી, નાળાં, તળાવ, સરોવર, સાગર, સમુદ્ર કે મહાસાગર તરીકે જોઈ એ છીએ, ઓળખીએ છીએ, સંબોધીએ છીએ, સમજીએ છીએ. જ્યારે આપણે એકબીજાને-પોતાની જાતને આ કુવા, ખાબોચિયા, નદી, નાળાં, તળાવ, સરોવર, સાગર, સમુદ્ર કે મહાસાગરને બદલે પાણી તરીકે જોઈતા થઈ જઈશું ત્યારે આપણી એકબીજા વચ્ચેની ભેદરેખાનો નાશ થશે. આપણું પોતાનું અને બીજાનું એમ અલગ-અલગ સ્વતંત્ર અસ્તિત્વ નહિ રહે. હું અને તમે બે ને બદલે એક બનીશું. જ્યારે હું અને તું એકબીજાના પર્યાય અને સમાનાર્થી હોય ત્યાં સ્વનો અલગ વિચાર ન હોય. અને જ્યાં સ્વ અને પર ન હોય ત્યાં આ માન, સન્માન, બહુમાન, અભિમાન, અપમાન, સ્વાભિમાન અને અહંકાર જેવા કોઈ શબ્દોને ડિક્ષ્નેરીમાં સ્થાન નથી હોતું. ત્યાં સર્વનો ભાવ હોય. સર્વનો વિચાર હોય.

આમ, સ્વને સર્વ માનવાને બદલે સર્વમાં સ્વને ભેળવી દેતાં જ સર્વેસર્વા સનાતનને-સત્વને-સત્યને પામી જઈશું. જ્યારે એકબીજાને પાણી તરીકે, સાર તત્વ તરીકે, આત્માના તરીકે જોઈતાં, ઓળખતાં, સંબોધતાં અને સમજતાં થઈ શકીશું ત્યારે જ આપણે અનંતના ભાવ સાથે પૂર્ણતાને પરમાત્માને પામી મુક્ત થશું..! સર્વને મુક્તિની શુભકામના સહ અસ્તુ!